ટ્રસ્ટનો પરિચય :-
શ્રી ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના તા. 1/11/2004ના રોજ, ગાંધીનગર માં વસવાટ કરતા જાગૃત અને સમાજના સર્વાંગી વિકાસની ખેવના ધરાવતા સમાજ પ્રેમી આગેવાનો દ્વારા કરવામાં આવી.
અરવલ્લીની ગિરિમાળાઓના પહાડી પ્રદેશમાં વસવાટ કરતા આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના ટ્રસ્ટની રચનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક અને શૈક્ષણિક વિકાસ કરવાનો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આશરે 1000 કરતા વધુ પરિવારો વસવાટ કરે છે. આદિવાસી સમાજનો વિશાળ સમુદાય સામાન્યતઃ ખેતી અને ખેતમજૂરી ઉપર નિર્ભર રહ્યો છે. સિંચાઇની અલ્પ સુવિધાના કારણે મહદઅંશે આકાશી ખેતી, મજૂરી આધારિત જીવન નિર્વાહ કરતા આપડા સમાજ માટે આવક માટેનો વિકલ્પ શિક્ષણ મેળવી સરકારી કે અન્ય પ્રકારની નોકરી મેળવવાનો રહ્યો છે.
સમય જતા થોડુંક શિક્ષણ મેળવી લગભગ 1960ના દાયકાથી આમદાવાદની કાપડ મીલો,પોલીસ કોન્સ્ટેબલ તથા રાષ્ટ્રરક્ષા જેવી સંરક્ષણ સેવાની ગૌરવપૂર્ણ સૈનિક કેડર તથા ધોરણ-7(ફાઇનલ)પાસ થયા બાદ કેળવણી ક્ષેત્રે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જોડાઈ સ્વનિર્ભર બન્યો. શિક્ષણના વ્યવસાય સાથે સ્વનિર્ભર બનેલ શિક્ષકશ્રીઓએ ગાંધીવાદી વિચારધારા અને બુનિયાદી શિક્ષણના સંસ્કારો સાથે બાળકોને શિસ્ત અને ઈમાનદારી, વફાદારીની શીખ સાથેનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડ્યું. જેને સમાજ સુધારણા અને વર્તમાન વિકાસના પાયા સમાન ગણી શકાય.
શ્રી ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગરની એક ઐતિહાસિક પહેલ.
વિવિધ ક્ષેત્રની સવેતન રોજગારી, સ્વના વિકાસ સાથે સમગ્ર સમાજના સર્વાંગી વિકાસનો પર્યાય બની રહેલ છે તેવી વાસ્તવિકતાથી સુપેરે અવગત એવા સમાજના દીર્ઘદ્રષ્ટા મહાનુભાવોએ સમાજના વિકાસ માટે આજે પણ નોકરીનું ક્ષેત્રજ રોજગારી માટે મહત્વનું હોવાનું સ્વીકારીને સમાજના યુવાનોની કારકિર્દી ઘડતર થકી સમાજના સર્વાંગી વિકાસની કોઠાસૂઝ વાળી ભાવનાથી પ્રેરાઈને તા. 03/02/2006ના રોજ ગાંધીનગર ખાતે મળેલ ત્રીજી વાર્ષિક સાધારણ સભાના સર્વગ્રાહી પરામર્શના અંતે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે શૈક્ષણિક સંકુલના નિર્માણમાટે નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણયના અમલની દિશામાં સમાજના સભ્યો પાસેથી ફાળો એકત્રિત કરવાની શરૂઆત કરી, સમાજના તમામ સભ્યોના સહયોગથી એકત્રિત થયેલ ભંડોળથી ગાંધીનગર જિલ્લાના આલમપુર ગામમાં પ્રથમ તબક્કામાં અઢી વીઘા અને ત્યાર બાદ તાજેતર વધુ એક વિઘો મળી કુલ સાડા ત્રણ વીઘા જમીન ખરીદવામાં આવી છે.જેનો ટ્રસ્ટના નામે દસ્તાવેજ કરાવી, બાંધકામના હેતુ માટે બિન ખેતીના હુકમો મેળવી લઇ ખાતમુહૂર્ત/ભૂમિપુજ પણ સંપન્ન કરેલ છે.
ટ્રસ્ટની પ્રારંભિક પ્રવૃત્તિ :
ટ્રસ્ટની રચના પછી પ્રતિવર્ષ એકમેકના પરિચય સાથે પ્રેમ અને સદ્ ભાવના સાથે સમાજનું સંગઠન મજબૂત બને એ આશયથી વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરીને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, વરિષ્ઠ અધિકારીઓ, ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ, આર્થિક વિકાસ અને સમાજ સુધારણા માટે સૂચનો ઉપરાંત અભ્યાસ, રમ્મ્ત ગમ્મત, રાજકીય અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓને ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગ :-
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ, અંતરિયાળ વિસ્તારના વંચિત એવા આદિવાસી સમાજના ગરીબ પરિવારના યુવક યુવતીઓને વર્ષ 2015-16થી સરકારી/અર્ધસરકારી નોકરીઓ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગાંધીનગર ખાતે તજજ્ઞ વ્યાખ્યાતાઓના સહયોગથી સઘન તાલીમ આપવાનું કામ કરે છે.
કોઇ પણ સમાજના વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પાયાનું પરિબળ છે. આદિવાસી સમાજ સામાન્ય રીતે અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં વસવાટ કરતો હોય છે તેથી અન્ય વિકસિત સમાજ અર્થાત મુખ્ય પ્રવાહથી અલિપ્ત રહેતો હોય છે,જે તેના વિકાસમાં બાધારૂપ બને છે તેવી વાસ્તવિકતાને સ્વિકારીને આપણા આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજ્યના તમામ આદિવાસી સમાજના યુવાનોને ગાંધીનગર ખાતે સ્વવ્યવસ્થા થકી (ટ્રસ્ટ દ્વારા વર્ગ ખંડ, તજજ્ઞ વ્યાખ્યાતા, અભ્યાસ સાહિત્યની વ્યવસ્થા) કોચિંગ કલાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU કરી વિનામૂલ્યે/રાહત દરે
વિવિધ પ્રકારની અલબત્ત ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોનું
આયોજન કરવામાં આવેલ.જેમાં અત્યાર સુધી 1000થી વધુ યુવાનોને તાલીમ પુરી પાડવામાં આવી છે અને 100 જેટલા યુવાનો વર્ગ -1/ 2અને તલાટી,ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ જેવી નાની મોટી નોકરીઓમાં જોડાયેલ છે.
શોર્ટ ટર્મ ટ્રેનિંગ:-
ટ્રસ્ટ દ્વારા તાલીમ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના MOU થકી English Speaking અને Hearing & Communication skill ના ટૂંકા ગાળાનાની તાલીમ પણ પુરી પડવામાં આવે છે.
શૈક્ષણિક સંકુલ/સમાજ ભવન :-
ટ્રસ્ટ, સ્વભંડોળથી ગાંધીનગર જિલ્લાના આલમપુર ગામે અગાઉ અઢિ વીઘા અને તાજેતરમાં વધુ એક વિઘો મળી કુલ સાડા ત્રણ વીઘા જમીન ખરીદેલ છે. જ્યાં એક વિશાળ શિક્ષણ સંકુલ સ્થાપી, પાટનગરની મુલાકાતે આવતાં સમાજના સભ્યોમાટે રાત્રી રોકાણ ઉપરાંત મહત્વની કહી શકાય તેવી આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવા સાથેની સુવિધા ઉભી કરી શિક્ષણ તથા IAS ટ્રેનિંગ સેન્ટર અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે કેન્દ્રવર્તી મથક(શૈક્ષણિક સંકુલ)સ્થાપવા આગળ વધી રહેલ છે.
અત્યારે સમાજ અલ્પ વિકસિત અને અવિકસિત એમ બે ભાગમાં વહેંચાયો છે,અલબત્ત કોઇ એકબીજાને પડખે ઉભો રહી સહાયભૂત થઇ શકે તેવી મજબૂત ક્ષમતા કેળવી શક્યો નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં સમાજને સામાન્ય પ્રવાહ સાથે જોડવા માટે
ગુણવત્તાયુક્ત તાલીમ કે શિક્ષણ પૂરું પાડવું હશે તો એક ખુલ્લી સ્પર્ધાના માહોલની તેમજ તજજ્ઞ વ્યાખ્યાતાઓની આવશ્યકતા રહે, તેથીજ સમાજનું ભાવી એવા યુવા વર્ગ કે જેની આર્થિક સ્થિતી સામાન્ય રીતે સારી કહી શકાય તેવી ના હોય તેમને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમાજભવન /શૈક્ષણિક સંકુલના નિર્માણથી વિનામુલ્યે અથવા રાહતદરે રહેવા જમવાની સગવડ સાથે ગુણવત્તાયુક્ત તાલિમ/શિક્ષણ પૂરું પાડવાનો ટ્રસ્ટનો વિનમ્ર પ્રયાસ છે.
આ દિશામાં ટ્રસ્ટ ખુબ ઝડપથી અમે પ્રારંભિક તબક્કે પ્રાથમિક જરૂરિયાત વાળી સુવિધા ઉભી કરવા માંગે છે જેથી કરીને સમયની સાથે યુવા શક્તિને શિક્ષણ અને અન્ય કેળવણી થકી તાલીમબદ્ધ કરી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીને ગામડાના ગરિબ, આર્થીક રીતે નબળા યુવાનોને જન્મગત શરમ સંકોચ અને લઘુતાગ્રંથિ જેવા મનોવૈજ્ઞાનિક અવરોધક પરિબળોથી મુક્ત કરી સુવિકસિત એવા રાજ્યના પાટનગર ગાંધીનગરના(સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ માટે હબ ગણાતા)સ્પર્ધાત્મક માહોલ વાળા વાતાવરણમાં તાલીમબદ્ધ કરી સમગ્ર સમાજના વિકાસને આગળ વધારવાની કટિબદ્ધતા સાથે આગળ વધવાનો ટ્રસ્ટનો મક્કમ નીર્ધાર છે.
ટ્રસ્ટની નોંધપાત્ર પ્રવૃત્તિ:-
▪️સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો, ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર.
▪️વિશ્વ આદિવાસી અધિકાર દિવસ 2019ના રાજ્ય કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું આદિવાસી સમુદાયવતી રાજ્યકક્ષાનું અભિવાદન નેતૃત્વ.
▪️ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્રની નામદાર હાઇકોર્ટમાં થયેલ પિટિશનમાં કો.પિટિશનર.
▪️પાટનગર ગાંધીનગર ખાતે શ્રી ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટના બેનર હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પહેલ.
▪️ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણીમાં ગાંધીનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉજવણી સમિતિમાં વિવિધ હોદ્દાઓ ઉપર સ્થાન મેળવી ઉજવણી કર્યાક્રમમાં સક્રિય ભૂમિકા.
▪️ 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની જિલ્લા/રાજ્યકક્ષાની ઉજવણીમાં પ્રમુખ ભૂમિકા.....
ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટનું ઐતિહાસિક પ્રથમ સ્થાન :-
ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલ સાડા ત્રણ વીઘા જમીન ઉપર રાજ્યના પાટનગર ખાતે આદિવાસી સમાજનું પ્રથમ શૈક્ષણિક સંકુલ/સમાજ ભવન આકાર લેશે ત્યારે તેના નિર્માણથી ટ્રસ્ટ ગૌરવભર્યું પ્રથમ સ્થાન અંકિત કરી લેશે.
સૂચિત બાંધકામ:-
હાલ ભવિષ્યમાં વધુ માળ નું બાંધકામ કરી શકાય તેવા ફાઉન્ડેશન સાથે પ્રથમ તબક્કામાં એક મોટા સભાખંડ સાથે કોન્ફ્રન્સ રૂમ વર્ગ ખંડ,અભ્યાસ-તાલિમીઓ અને પ્રવાસીઓને રહેવા માટેની રૂમ તથા રસોડા સાથેનું બાંધકામ કરવામાં આવશે.
ટ્રસ્ટની સૂચિત પ્રવૃત્તિ/વિભાવના -:
▪️વિવિધ સ્પર્ધાત્મક(યુ.પી.એસ.સી.,જી.પી.એસ.સી.,ગુજરાત ગૌણ સેવા,પંચાયત, બેંક, બોર્ડ કોર્પોરેશન વિગેરે) પરીક્ષાના તાલીમ વર્ગોનું આયોજન
▪️સંરક્ષણ સેવા, અર્ધલશ્કરી દળ, પોલીસ, સિક્યુરિટી ગાર્ડ વિગેરેની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી અને લેખિત પરીક્ષા લક્ષી તાલીમ.
▪️શૈક્ષણિક સેવાની ભરતીને લગતા TET,TAT, HTATની તાલીમ.
▪️ઉદ્યોગ સાહસિકતા વિકાસ, કારકિર્દી વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ ને લગતા સેમિનાર/ટૂંકાગાળાના તાલીમ વર્ગ
▪️ખેલ-કૂદમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવા પ્રતિભાઓ માટે કોચિંગ અને સ્પર્ધાનું આયોજન.
▪️તબીબી, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક મેળાવડા/કાર્યક્રમ.
▪️સમાજના ઉત્થાનને લગતા સેમિનાર અને વિચારવિમર્શ વિનિમયના કાર્યક્રમો/કાર્યશાળાઓનું આયોજન